પંડિતજીની રાહ પર...

પંડિતજીની રાહ પર...

કેટલીક વિભૂતિઓનો જન્મ માત્ર સમાજ કલ્યાણ માટે અથવા રાષ્ટ્રના નિર્માણ માટે જ થતો હોય છે. હિન્દુસ્તાનની ધરતી પર આવા અનેક સપૂતોએ જન્મ લીધો છે, જેમણે પોતાના અંગત સ્વાર્થ-લાભ કે પોતાની અંગત પીડાઓને અવગણીને જાહેર ક્ષેત્રમાં પોતાની જાત ધરી દીધી છે અને સતત માનવ ઉત્થાન તેમજ સમાજ કલ્યાણમાં રચ્યાં પચ્યાં રહ્યા છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય એમાંની એક મહાન વિભૂતિ છે, જેમણે ભારતીય સમાજના ઘડતરમાં અને મા ભારતીની પ્રગતિ માટે સતત પ્રયત્નો કરી દેશને એક નવી રાહ ચિંધી છે.

પંડિત દિનદયાળજી ઉત્તમ તેમજ દૂરંદેશી માણસ તો હતા જ, સાથોસાથ તેઓ ઉત્તમ સાહિત્યકાર, પત્રકાર, કુશળ અર્થશાસ્ત્રી અને પ્રભાવક વક્તા પણ હતા. ભારતીય જનતા પાર્ટીના સર્જનમાં એમનો અમૂલ્ય ફાળો હતો. અલબત્ત, ભારતીય જનતા પાર્ટીની રચના એમના બલિદાન પછી થયેલી. પરંતુ પક્ષના પાયામાં પંડિતજીના મૂલ્યોનું સિંચન કરાયું છે. વળી, તેઓ ભારતીય જનસંઘ સાથે પણ અત્યંત સક્રિય રીતે સંકળાયેલા હતા અને જનસંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પંડિતજી હંમેશાં એવું માનતા રહ્યા છે કે, અનેકતામાં એકતા એ જ ભારતીય સંસ્કૃતિનો પાયો છે. ભારતીય જનતા પાર્ટીએ પણ એ જ બાબતને ધ્યાનમાં રાખી છે અને પક્ષના તમામ કાર્યકરો દેશની એકતા તેમજ અખંડિતતા જાળવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે.

શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાય હંમેશાં દેશના શ્રમિકો અને છેવાડાના માણસોની ચિંતા કરતા અને એમનું જીવન ધોરણ ઉંચું આણવા તેઓ પ્રયત્નશીલ રહેતા. છેવાડાનો જણ પણ ઉચ્ચ ગુણવત્તાનું જીવન જીવી શકે અને એની તમામ જરૂરિયાતો પૂરી થાય એવું પંડિતજીના સપનું સાકાર કરવા જ શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે એમની સ્મૃતિમાં અનેક મહત્ત્વપૂર્ણ યોજનાઓ કાર્યાન્વિત કરી છે.

'પંડિત દિનદયાળ ગ્રામજ્યોતિ યોજના'થી લઈ 'પંડિત દિનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના'. તેમજ  'પંડિત દિનદયાળ અંત્યોદય યોજના' અને 'પંડિત દિનદયાળ શ્રમેવ જયતે કાર્યક્રમ' જેવી અનેક યોજનાઓ દ્વારા શ્રમિકોથી લઈ ગ્રામીણ ભારતમાં વસતા નાગરિકો માટે શરૂ કરાઈ છે, જેનો લાભ લઈ કરોડો લોકો અનેક તકો અને સારી કમાણી દ્વારા ઉત્તમ જીવન જીવી રહ્યા છે. કેન્દ્રની જેમ ગુજરાત સરકારે પણ પંડિતજીના સપનાંને પૂરા કરવા માટે અનેક મહત્ત્વના નિર્ણયો અને પગલાં ભર્યા છે, જેને પગલે ગુજરાતના ખેડૂતોથી લઈ ગામડામાં વસતા લોકો-યુવાનોને અનેક લાભો મળ્યાં છે.

ભારત દેશ શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાયનો હંમેશાં ઋણી રહેશે અને હંમેશાં એમના મૂલ્યોને યાદ રાખીને એમણે ચીંધેલી રાહ પર ચાલશે. ભારતીય જનતા પાર્ટી પણ પંડિતજીના મૂલ્યો પ્રત્યે હંમેશાં કટિબદ્ધ રહેશે અને દેશના સામાન્યજનની સમસ્યાઓનું સમાધાન આણી એને એક શ્રેષ્ઠ જીવનની ભેટ આપવા સદૈવ તત્પર રહેશે.